પાપમાંથી મુક્ત થવું છે ભગવાને ગીતામાં આ ઉપાય જણાવ્યા છે

 પાપમાંથી મુક્ત થવું છે? ભગવાનના શરણે જાઓ

સમાજમાં ભાગ્યે જ એવી વ્યક્તિ નહીં હોય કે જેણે અજાણે નાનું મોટું પાપ નહીં કર્યુ હોય. તો પછી તે પાપનું નિવારણ શું?ભગવાનની ‘ગેરન્ટી’ છે : તે બધાં પાપ દૂર કરશે


ભગવાને ગીતામાં જ તેનું નિવારણ દેખાડતાં જણાવ્યું છે કે માનવીને તેનાં બધાં પાપોમાંથી મુક્ત કરીશ - अहं त्वां सर्वपापेम्योः मोक्षयिष्यामि मा शुचः| ‘હું તને બધાં જ પાપોમાંથી મુક્ત કરીશ. તેની તું ફિકર ના કરતો.’ પરંતુ તે માટે એક શરત મૂકી છે કે બધા ધર્મોનો આશ્રય છોડી તું મારે શરણે આવ.’ ‘सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज|’ અને આ કોઈ રાજકીય નેતાની ગેરંટી નથી. ભગવાને સ્વયં ગીતામાં આપેલી ખાતરી છે. અને એક વાર ભગવાનના શરણે ગયા પછી તો માણસે કશું કરવાનું રહેતું જ નથી. એટલે કે તેની કોઈ જ પ્રકારની જવાબદારી રહેતી નથી.

જૂના કાળની પતિવ્રતા પત્નીના જીવનમાં તેનું પોતાનું કહી શકાય એવું કશું જ ન હતું. તે પોતાના શરીરની દેખભાળ પતિના સંતોષ માટે કરતી. તે પતિના પરિવાર તરીકે તેનું લાલનપાલન કરતી. તેનું સર્વસ્વ તેના પતિ માટે હતું. અરે, પોતાનું ગોત્ર પણ પતિના ગોત્ર સાથે ભેળવી દેતી.

જે રીતે પતિવ્રતા પત્ની પતિપરાયણ થઈને રહેતી તે પ્રમાણે પ્રભુને શરણે ગયેલી વ્યક્તિ પોતાના શરીરથી માંડી પોતાનું નામ, જાતિ, બધું જ પ્રભુના ચરણોમાં સમર્પિત કરીને નિર્ભય બને છે. શોકરહિત અને નિશ્ર્ચિંત બને છે.

ભગવાનનો આશ્રય લીધો એટલે બધી જવાબદારીમાંથી મુક્તિ

એક વાત તો સ્પષ્ટ છે કે તે કાળમાં આજની જેમ જૈન, બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ, ઇસ્લામ, ક્રિશ્ર્ચયન, ઇત્યાદિ ધર્મો ન હતા. તો પછી અહીં બધા ધર્મોના ત્યાગનો મતલબ, બધાં જ કર્મો ભગવાનને ચરણે ધરવાં, ભગવાનને અર્પણ કરવાં એ જ શ્રેષ્ઠ ધર્મ છે, અર્થાત્ બધા ધર્મોનો આશ્રય છોડી ભગવાનનો આશ્રય લેવો. એમ કરવાથી મહત્ત્વની વાત તો એ થાય છે કે ભગવાનનો આશ્રય લેનાર માણસે પોતાના ધર્મનો નિર્ણય લેવાની આવશ્યકતા ઊભી જ નથી થતી. ભગવાનનો આશરો લીધા પછી ધર્મ કે અધર્મની જવાબદારી ભગવાનનો આશ્રય લેનારની રહેતી નથી.

દા.ત. મહાભારતના યુદ્ધમાં અર્જુનનું કર્ણ સાથે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું. તે ક્ષણે કર્ણ રથમાંથી નીચે ઊતરી તેનું પૈડું બહાર કાઢવા મથી રહ્યો હતો. તેણે અર્જુનને કહ્યું, ‘જ્યાં સુધી હું પૈડું બહાર કાઢી ન લઉં ત્યાં સુધી તું યુદ્ધ ન કર, કારણ કે તું રથમાં છે અને હું રથ વગરનો છું. તેવા સમયે રથી માટે ઉચિત છે કે તે રથ વગરના ઉપર બાણ ન છોડે. તું શસ્ત્ર અને શાસ્ત્રનો જ્ઞાતા છે, તેથી મારા પર પ્રહાર કરવો ઉચિત નથી.’


કર્ણની વાત સાંભળી અર્જુને પણછ ઉપર ચડાવેલું બાણ ઉતારી લીધું. ત્યારે ભગવાને કર્ણને કહ્યું કે, ‘તારા જેવા આતતાયીને તો ગમે તે રીતે મારવો એ જ ધર્મ છે. તમે મહારથીઓએ ભેગા થઈને અભિમન્યુ એકલો હતો ત્યારે તેને ઘેરીને, એ નિ:શસ્ત્ર હતો ત્યારે મારી નાંખ્યો અને તું મોટી મોટી ધર્મની વાતો કરે છે! આવી વાત કરવાનો તને કોઈ જ અધિકાર નથી.’ ભગવાને અર્જુનને બાણ ચડાવી કર્ણનો વધ કરવાનો આદેશ આપ્યો અને અર્જુને કર્ણનો વધ કર્યો.


અર્જુન ભગવાનને શરણે ગયો જ હતો તેથી જ તો તેણે કહ્યું હતું करिष्ये वचनं तव| ‘ભગવાન, તમારું કીધેલું થશે.’ તેથી યુદ્ધ અર્જુન કરતો હતો. તેનો ધર્મ બજાવતો હતો, પરંતુ અર્જુન ભગવાનને સમર્પિત હતો તેથી ધર્મનો નિર્ણય ભગવાન પર છોડી દીધો અને ભગવાને કહી દીધું કે કર્ણનો વધ થવો જોઈએ. એ નિર્ણયની જવાબદારી ભગવાનની રહી.

ધર્મો છોડીને આવ - તેનું અર્થઘટન

બધા ધર્મોનો આશ્રય છોડીને તું મારા શરણે આવ, તેનું અર્થઘટન આ રીતે પણ થઈ શકે છે. દા.ત. અગ્નિની દાહકતા એ એનો ધર્મ છે; પાણીની શીતળતા એ પાણીનો ધર્મ છે એટલે કે દાહકતા - શીતળતા એ ધર્મ છે. તે રીતે પતિનું પતિત્વ - પિતાનું પિતૃત્વ, પત્નીનું પત્નીત્વ, પુત્રનું પુત્રત્વ એ ‘ત્વ’ છોડીને ભગવાનને શરણે જવું. એટલે કે હું પિતા છું તો મારામાં રહેલા પિતૃત્વનો અહં છોડીને ભગવાનને શરણે જવું. ભગવાનને શરણે ગયા પછી વ્યક્તિમાં પાપવૃત્તિ રહે જ ક્યાંથી?

શરણે જવું એટલે સમર્પિત થવું

ભગવાનના શરણે જવું એટલે કેવળ મન-બુદ્ધિથી નહીં. પોતાની જાતને જ ભગવાનમાં સમર્પિત કરવી જોઈએ. એક વાર આવો સમર્પિત ભાવ થાય એટલે પછી માણસની બધી ક્ષતિઓ, બધા દોષોની ચિંતા શરણે ગયેલા વ્યક્તિની હોતી નથી. તેથી તો ભક્ત કવિ દયારામે કહ્યું છે, ‘જીવ તું શીદને ચિંતા કરે, હરિને કરવું હોય તે કરે’.

ટૂંકમાં શરણભાવ સ્વીકાર્યા પછી માણસ બધી જ રીતે નિશ્ર્ચિંત થાય છે. શરણે ગયેલી વ્યક્તિની સમજણ જ હોય છે કે ‘હું ભગવાનનો છું અને ભગવાન મારા.’ અને દૃઢતાથી આવો ભાવ ધારણ કરવામાં આવે તો માનવી ભયમુક્ત, ચિંતામુક્ત, શોકમુક્ત થાય અને તેના શરણે ગયા પછી બધા દોષો તથા પાપોનું નિવારણ થાય. સવાલ છે, આ રીતે ભગવાન પાસે સમર્પિત થવાનો.

Read More - 


ગુજરાતી ફિલ્મોનો ‘સુવર્ણયુગઃ જતો રહ્યો?

https://www.gujaratikemchho.in/2018/09/gujarati-film-history.html


ગુજરાતની એક વિશિષ્ટ કળા ‘ભવાઈ'નો ઇતિહાસ વાંચો બે મિનિટમાં...

https://www.gujaratikemchho.in/2018/07/gujarati-bhavai.html



YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.